છેતરામણી

ગદ્ય ટચૂકડી વાર્તા 4153

સુજલ અને સુષ્મા એટલે આઠ-આઠ વરસથી બાળકની કિકિયારી સાંભળવા તરસતું કપલ. આઈ.યુ.આઈ, આઈ.વી.એફ કે દુનિયાની બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ તેમની જોળીમાં બાળકનું વ્હાલ ન વરસાવી શકી. વાંઝિયાપણાએ જાણે જીવવું ઝેર કર્યું હોય એમ એક સાંજે સુષ્મા બોલી, “સુજલ! નવા વર્ષે એક સંકલ્પ લીધો.. હવે મા નથી બનવું ક્યારેય…”

સુજલની આંખોમાં આશ્ચર્યને બદલે દયા ઉપજી. “સુષ્મા બીજાને છેતરતા પહેલા માણસે પોતાની જાતને છેતરવી પડે છે. તારા રિપોર્ટ્સ હવે તને તું ચાહીશ તો પણ મા નહી બનવા દે. તારું ગર્ભાશય નહી પણ મન વાંઝિયાપણાના કેન્સરથી પીડાતું હતું. હું કાંઈ ન કરી શક્યો તારા માટે..”

બંનેની આંખો સાથે હૃદય પણ વરસી પડ્યા. બીજી સવારે સુષ્મા જાગી. સુજલના શુષ્ક દેહના હાથમાં પડેલા સુજલના રિપોર્ટ્સ સુષ્માનું કાળજું કોરી રહ્યા હતાં. આખરે કોણ કોને છેતરી રહ્યું હતું? 

Avatar

Dr Ranjan Joshi ડૉ. રંજન જોષી

Made with by cridos.tech