કઈ રીતે સમજાવું એને ? બોલ્યાં પહેલાં કીટ્ટા થઇ ગઇ ! – નિનાદ અધ્યારુ

ગઝલ પદ્ય 5447

બેઠાં-બેઠાં ચિંતા થઈ ગઈ,

મચ્છર માર્યું, હિંસા થઈ ગઈ.

.

દિલમાં આયાતોની મોસમ,

આંખો ભગવતગીતા થઈ ગઈ.

.

માણસથી મન મોટું થઈ ગ્યું,

મનથી મોટી ઈચ્છા થઈ ગઈ.

.

છે કૈં માણસ જેવી ચિંતા ?

કૂતરાની પણ ઈર્ષા થઈ ગઈ.

.

બગલા કાકા બાવો થઈ ગ્યા,

મચ્છી કાકી શિષ્યા થઈ ગઈ !

.

વર્તુળ બારા આવો તો કહું,

કોની કેવી ત્રિજ્યા થઈ ગઈ.

.

કઈ રીતે સમજાવું એને,

બોલ્યાં પહેલાં કીટ્ટા થઈ ગઈ.

.

આંગળીઓને ખોટું લાગ્યું,

અંગૂઠાથી રિક્ષા થઈ ગઈ.

.

વાંસલડીમાં તાર લગાવ્યાં,

રાધા જાણે મીરાં થઈ ગઈ.

.

ચાલત, તો એ સામા મળતે,

ખોટે-ખોટી રીક્ષા થઈ ગઈ.

.

‘નિનાદ’ એણે હકથી માગ્યું,

મેં માગ્યું તો ભિક્ષા થઈ ગઈ !

.

  • નિનાદ અધ્યારુ
'પંખ' e-magazine

'પંખ' e-magazine

‘પંખ’ જૂના સાહિત્યને સાથે રાખીને નવા સાહિત્યને પોંખતું ને અલગ-અલગ ફીલ્ડમાં કામ કરતા ગુજરાતી યંગસ્ટર્સનું એક ગ્રુપ છે. ટીમમાં અમુક ડોક્ટરો છે, અમુક એન્જીનીયરો છે. અમારા વચ્ચે એક વાત કોમન છે : ગુજરાતી હોવાનું ગૌરવ.

Made with by cridos.tech