“વેલેન્ટાઈન ડે : દેખો વો આ ગયા”
ફિરંગીઓની વસંતઋતુ એટલે કે ફેબ્રુઆરી મહિનો ચડી આવ્યો છે. આ એ જ સમયગાળો છે જ્યારે માણસોની અંદરનો કવિ જાગી જાય છે. કોઈકને ઇમ્પ્રેસ કરવા કઢંગી શાયરીઓનો એવો તોપમારો ચલાવે ને કે પૂછો જ નઈ! અલા ભાઈ, તારે જેને સંભળાવવી હોય એને એકલીને મોકલ ને. આ વોટ્સએપ સ્ટોરીમાં મૂકીને સામૂહિક ટોર્ચર કરવાનો શું મતલબ! હું આ લખું છું ત્યારે, પ્રેમીઓ નામના(સામાજીક) પ્રાણીઓ (જેમને હું પ્રેમથી ‘લવરયા’ પણ કહુ છું) નો પ્રિય તહેવાર એવો ‘વેલેન્ટાઈન ડે’ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આપણા પૂર્વજો કહી ગયા છે કે ‘મુસીબતો’ અને ‘વેલેન્ટાઈન ડે’ ક્યારેય એકલા નથી આવતા, વેલેન્ટાઈન ડે ની સાથે ટેડી ડે, પપ્પી ડે, હગ(‘ઇંગ્લીશ’ વાળુ હોં) ડે, રોઝ ડે વગેરે જેવા સાત વેરાઇટીવાળા ‘ડે’ઝ હેડ્યા આવે છે! વેલેન્ટાઈન ડેની આગળના આ બધા ‘ફાલતુ’ ડે એના માટે આવે છે કે તમે તમારી જાતને પૂછી શકો કે તમને પાકીટમાં રહેલા ગાંધીજી વધારે વ્હાલા છે કે પછી તમારુ પાર્સલ!
વેલેન્ટાઈન ડે ઉજવવા માટે મુખ્ય અને એકમાત્ર સામગ્રી એક પ્રેમી/પ્રેમિકા છે! આ દિવસે આ પ્રેમી પંખીડાઓ બાગ-બગીચાઓ, કેફે, રેસ્ટોરન્ટ, નદીકિનારે, દરિયાકિનારે, રસ્તા પર, ધાબા પર, ઢાબા પર ને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં ફેલાયેલા જોવા મળે છે. આ લોકો અત્ર-તત્ર સર્વત્ર ફેલાઈ જઈને હાથમાં હાથ નાખીને પ્રેમભરી વાતો કરવા સિવાય ‘ઇનડાયરેક્ટલિ’ એક બીજું કામ પણ કરતા હોય છે. જે છે ‘સિંગલ’ લોકોનો જીવ બાળવાનું.!
સિંગલ લોકો લોકશાહી પ્રેમીઓ હોય છે! પોતે, પોતાને જ, પોતાના માટે પ્રેમ કરે છે. (એ વાત અલગ છે કે એ લોકો પાસે બીજો કોઇ ઓપ્શન નથી હોતો.) માણસના સિંગલ હોવા પાછળ કેટલાક કારણો હોય છે જેમાંનુ એક કારણ છે – સેલ્ફ રીજેક્શન. ઘણીવાર મોટા મંદિરમાં લાંબી લાઈન જોઈને તમે દૂરથી જ દર્શન કરીને પાછા આવી જાઓ છો ને.. હા બસ એ જ!
આ સિવાય કોન્ફિડન્સનો અભાવ, દિલના ભુક્કા બોલાઇ જવાની બીક, લાફો પડવાનો ડર જેવા નાના મોટા કારણો પણ તમારા સિંગલ હોવા પાછળ કારણભૂત હોય છે.આ સિંગલ્સનું જરા આક્રમક વર્ઝન એટલે બજરંગ દળ! ખબર છે કોઈ પણ પિક્ચર શરૂ થાય એ પહેલા એક સુચના આવે છે – “ધુમ્રપાન ના કરે, ના કરને દે” બસ એને જ ભળતું કામકાજ બજરંગ દળનું છે. “પ્રેમ ના કરે, ના કરને દે” બજરંગ દળ એ બેઝિકલી ‘એન્ટી રોમિયો સ્ક્વોડ’ છે, જે ફક્ત ફેબ્રુઆરીમાં જ એક્ટિવેટ થાય છે.
બજરંગ દળમાં બે પ્રકારના લોકો જોડાય છે. એક તો ‘અખંડ’ સિંગલ – જે નાનપણથી જ સિંગલ હોય અને બીજા જે ‘છુટક-છુટક’ સિંગલ થયા કરે છે. જોકે બંને માંથી પેલા છુટક-છુટક સિંગલવાળામાં ગુસ્સો વધારે ભર્યો હોય છે. કારણ? એમની છેલ્લી ગર્લફ્રેન્ડોની વાહિયાત માંગણીઓના લીધે કરેલ દર્દનાક બ્રેકઅપ! રાતે અઢી વાગે ફોન કરીને કહે – “બાબુ કંઈક વાત કર ને, મને ઊંઘ નથ આવતી”. પછી માણસ છેડો ફાડી જ નાખે ને! આ જ ગુસ્સો ક્યાંક કોઈકના માથામાં વેલેન્ટાઈન ડેના (અ)શુભ અવસર પર ‘ઢીમડા’ સ્વરૂપે બહાર નીકળે છે.
કળિયુગના કાળા માથાના માનવીનો ઈર્ષ્યાળુ સ્વભાવ આ બજરંગ દળના વર્ક થકી છતો થઈ જાય છે. સાલુ મને કોઈ ના મળ્યુ તો તુ શેનો જલસા કરે.! જેમ પરભુ શ્રીરામની વાનરસેના ના બજરંગો રાવણ લોકો પર તૂટી પડ્યા હતા, એમ જ આ બજરંગ દળના બજરંગો વેલેન્ટાઈન ડે પર કપલો પર રીતસરના તૂટી પડતાં જોવા મળે છે!
અચ્છા, બજરંગ દળમાં જોડાવા માટે તમારે કોઈ પેપર-બેપર નથી આપવાનુ હોતુ! ‘૩ idiots’ જોયુ છે ને? “બજરંગ દળ મેં જાને કે લિયે ક્વોલિફિકેશન નહી, યુનિફોર્મ લગતી હૈ યુનિફોર્મ!” ભગવો રંગ, હાથ માં લાકડી ને માથે તિલક લગાવો એટલે તમે બજરંગ દળના સભ્ય. એકાદ કપલ ને ખનકાવ્યા બાદ તમે બજરંગ દળના ‘સક્રિય’ સભ્ય. How simple is that! ખરું ને?
દર્શવાણી
‘જેટલી’ અંકલ ની ‘જેટલી’ તાકાત હોય એટલી લગાવી દે, પણ વેલેન્ટાઈન ડેનો સીઝનેબલ ધંધો ખોલો તો એમાં મંદી તો ના જ આવે.