WHY ME???
આંખો બંધ કરીને એક ઇમેજીનેશન આપું છું, એ ખાલી મનમાં વિચારજો. તમે એક નાના શહેરમાંથી આવો છો. જેનું કદાચ નામ પણ વધુ લોકોને ખબર નથી. પરંતુ તમારામાં ક્રિકેટ રમવાની આવડત છે. તમારામાં ક્રિકેટ પ્રત્યેનું જૂનુન સચિન કે ડોન બ્રેડમેન કરતા સહેજ પણ ઉતરતું નથી. તમે તમારા આપબળે જુનિયર નેશનલ ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરો છો. ધીરે-ધીરે તમે આગળ વધી રહ્યા છો. એક સ્ટેપ પછી બીજું સ્ટેપ એમ સફળતાની સીડીઓ ચડી રહ્યા છો અને એવામાં એક વાર તમને જાણ થાય છે કે તમે સિલેકટર્સની નજરમાં છો. બીજા જ દિવસે તમને એક લેટર મળે છે જેમાં લખ્યું હોય છે કે તમે હવે ટીમ ઇન્ડિયા માટે રમશો. તમારા માટે કેટલી ખુશીની પળ હશે એ? એ ટીમ કે જેના સપના તમે રોજ જોયા હોય, જેમાં રમવું તો દૂર સિલેકટ થવું પણ અઘરું હોય એ વસ્તુને તમે હકીકતમાં જીવી રહ્યા હોય. હવે આનાથી આગળ તમે ટીમ માટે રમી રહ્યા છો. એક સમય એવો આવે છે કે ટીમમાં તમે તમારું સ્થાન પાક્કું કરી લીધું છે. તમને ટીમમાંથી બહાર રાખવું લગભગ અસંભવ જેવું છે. વર્લ્ડકપ માટેની ટીમમાં તમારું એક અગત્યનું સ્થાન છે. વર્લ્ડકપ શરુ થાય છે. તમારી ટીમ ખુબ સારું પ્રદશન કરી રહી હોય છે અને તમને મોટાભાગની મેચમાં ‘મેન ઓફ ધ મેચ’નો ખિતાબ મળ્યો હોય. ફાઈનલની અંતિમ મેચ હોય અને છેલ્લા બોલ પર ચાર રનની જરૂર હોય અને તમારી પાસે સ્ટ્રાઈક હોય અને તમે એ શ્વાસ થંભાવી દેતી ક્ષણે ચાર રન મારીને ટીમને જીત અપાવો છો. અગામી થોડી જ ક્ષણોમાં તમારા હાથમાં ‘વર્લ્ડકપ’ અને ‘મેન ઓફ ધ સિરીઝ’નો ખિતાબ હોય ત્યારે તમારી ખુશી કેટલી બધી હશે? આ બધી ઘટનાઓ બની રહી હોય ચારે બાજુથી તમારા નામના જય-જયકાર થઇ રહ્યા હોય એવામાં તમને ખબર પડે કે તમે એક જીવલેણ રોગમાં સપડાયા છો અને કદાચ તમારા પાસે હવે એક મહિનાથી વધારે સમય નથી. હવે વિચારો કે આ અંતિમ લાઈન વાંચતા પહેલા અને અંતિમ લાઈન વાંચ્યા પછી તમારા મગજમાં કંઈ-કેટલાય પ્રશ્નો ઉભા થઇ ગયા ને? ક્યાં –કેમ -હવે શું થશે -મારા પરિવારનું શું -ભગવાન મારી સાથે જ આવો અન્યાય કેમ?
જેમ ક્રિકેટની રમતમાં વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફી એમ વિવિધ વિશ્વકક્ષાની સ્પર્ધાઓ થાય છે તેવી જ રીતે ટેનિસની રમતમાં વિમ્બલડન, યુ.એસ. ઓપન અને ઓસ્ટ્રેલીયન ઓપન જેવી ટુર્નામેન્ટ આવે છે. જેમાં મળતી ઇનામની રકમ કરોડો ડોલરમાં હોય છે. અહીં મળતી રકમનું મહત્વ એટલે વધી જાય છે એ માત્ર એક વ્યક્તિની રમતની ક્ષમતા અને કૌશલ્યને કારણે મળે છે. ટુર્નામેન્ટ જીતવા માટે લોહી-પાણી એક કરી દેવું પડે છે. આમાંની કોઈ એક ટુર્નામેન્ટ જીતવી પણ ગૌરવની વાત કહેવાય છે. એવામાં જેણે ઉપરની ત્રણે ટુર્નામેન્ટ જીતી હોય એને તો વિશ્વ-વિજેતા જ કહેવાય ને!
એક આફ્રિકન-અમેરિકન પ્લેયર, જેણે પોતાના જીવનકાળ દરમિયાન યુ.એસ.ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલડન જેવી માતબર સ્પર્ધાઓ જીતી હતી, એ ખિલાડીને પોતાની હાર્ટ સર્જરી દરમિયાન લોહી ચડાવતા સમયે ભૂલથી એક એઇડ્સના દર્દીનું લોહી આપી દેવાય છે અને એ પ્લેયરને વગર કારણે એઇડ્સ જેવા જીવલેણ રોગનો ભોગ બનવું પડે છે. જેમ-જેમ આ વાતની ખબર વિશ્વને પડે છે તેમ સમગ્ર વિશ્વમાંથી એમના ફેન્સના પત્રો આવવાના શરુ થઇ જાય છે. એવા અનેક પત્રોમાંથી એક પત્રમાં એક ફેન પોતાની લાગણી દર્શાવતા ભાવુક થઈને લખે છે કે, “આવા ખરાબ રોગ માટે ભગવાને તમને જ કેમ પસંદ કર્યા?” વિશ્વભરના ફેન્સની કદાચ આ જ લાગણી હતી! બધાની નવાઈ વચ્ચે એ પ્લેયર આ વાતનો જવાબ આપે છે જે કંઈક આ મુજબ છે,
એ લખે છે કે, “આખા વિશ્વમાં પચાસ મિલિયન બાળકો ટેનિસ રમવાનું શરુ કરે છે, તેમાંથી પાંચ મિલિયન બાળકો ટેનિસ રમતા શીખે છે. આ પાંચ મિલિયનમાંથી પાંચ લાખ બાળકો પ્રોફેશનલ ટેનિસ રમતા શીખે છે. તેમાંથી પચાસ હજાર ‘સર્કીટ’ સુધી પહોંચે છે, પાંચ હજાર ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ સુધી પહોંચે છે. એમાંથી પણ પચાસ પ્લેયર ‘વિમ્બલડન’ સુધી પહોંચે છે, તેમાંથી ચાર પ્લેયર સેમી-ફાઈનલ અને બે ખિલાડી ફાઈનલ સુધી પહોંચે છે. આ બધા પછી જે જીતે એને કપ મળે છે, મેં જયારે આ ‘કપ’ હાથમાં પકડ્યો હતો ત્યારે મેં કદી ભગવાનને એમ નહોતું પૂછ્યું કે આ પચાસ મિલિયનમાંથી હું જ કેમ? અને આજે જયારે હું પીડામાં છું ત્યારે પણ મારે ભગવાનને એવું ના જ પૂછવું જોઈએ કે ‘હું જ કેમ?’- ‘WHY ME?’”
આગળ એ લખે છે કે, “ખુશીઓ સદાયે તમને પ્રેમાળ રાખે છે, પ્રયત્નો તમને મજબૂત બનાવે છે, દુઃખો તમને ભાન અપાવે છે કે તમે હજુ મનુષ્ય જ છો, નિષ્ફળતા તમને નમ્ર રાખવામાં મદદરૂપ થાય છે અને સફળતા તમને સતત ઝળહળતા રાખે છે પરંતુ, કોઈપણ પરિસ્થિતિમાં તમારું વલણ- તમારો એટીટ્યુડ અને શ્રદ્ધા જ તમને હંમેશા આગળ વધારતા રહે છે.”
જયારે તમે સફળતાની ટોચ ઉપર હોવ ત્યારે તો મોટી વાતો કરવી સરળ હોય છે પરંતુ જયારે મૃત્યું તમારી પ્રતીક્ષા કરી રહ્યું હોય ત્યારે આવી વાત કરવી કપરી છે. કોઈના પણ મનમાં એક વાર તો એવો સવાલ આવી જ જાય કે, ‘ભગવાન હું જ કેમ?’ પણ પોતાના મૃત્યુંની જાણ હોય ત્યારે પણ આવું મનોબળ રાખવું એ ખરેખર હિંમતનું કામ છે. એ પ્લેયર એટલે બીજું કોઈ નહીં પણ પોતાના કરીયરમાં ૬૬ ટાઈટલ જીતી ચુકેલા તથા ટેનિસની વિશ્વકક્ષાની બધી જ સ્પર્ધાઓમાં વિજેતા થનાર ‘આર્થર એશ’.
આર્થર એશનું જીવન જેટલું પ્રેરણાદાયી છે, એના કરતા પણ વધુ પ્રેરણાદાયી એમની મૃત્યુંને સ્વીકારી લેવાની ખુમારી છે. જો આપણે પણ આપણા જીવનમાંથી આ ‘WHY ME?’ વાળો એપ્રોચ દૂર કરી નાખીએ અને જીવનમાં આવતી હરએક મુશ્કેલીઓનો પુરા દિલથી સામનો કરીએ તો સફળતા પામવાથી આપણને કોઈ રોકી શકે એમ નથી!
આફ્ટર-શોક
જીવનભોગે મેં મેળવેલી આ સિદ્ધિ
કયામત સુધી સાચવી રાખવી છે;
જમાનાને કહી દો, નહીં ભાગ આપું,
મરણ આગવું છે, કબર આગવી છે.
– જલન માતરી