ઝળહળતો દીવો – ગુજરાતના ઉદયનો (ભાગ-૩)

અન્ય ગદ્ય 4047

શબ્દસંપુટનાં ગયા બે અંકમાં આપણે જોયું કે, એક વિદેશી યુવાન કે જેને ગુજરાતી શીખવું હતું, એને એક સાહિત્યકારે મદદ કરી. આ સતત ઉદ્યમશીલ યુવાન એટલે એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ અને પેલા ગુજરાતી સાહિત્યકાર એટલે આપણા કવિ શ્રી દલપતરામ. ગુજરાતમાં ખરેખર જયારે સાંસ્કૃતિક પ્રચાર અને પ્રસારનો અભાવ હતો ત્યારે એ અંગ્રેજે ગુજરાતને આપેલી ઉપલબ્ધીઓ તો જુઓ!

અમદાવાદની પ્રથમ અંગ્રેજી શાળા, 

અમદાવાદનું પ્રથમ વર્તમાન પત્ર 

અમદાવાદમાં પ્રથમ મુદ્રણ 

પ્રથમ કન્યા શાળા, 

સુરતની સુધરાઈ (મ્યુનિસિપાલિટી) કાયદો, 

અમદાવાદ અને ગુજરાતનું પ્રથમ જાહેર પુસ્તકાલય, 

સુરતનું પ્રથમ જાહેર પુસ્તકાલય, 

ગુજરાતના રોચક ઇતિહાસને લાગતું પ્રથમ પુસ્તક (એ પણ અંગ્રેજીમાં અને પાછું લંડનથી પબ્લિશ થયેલું!)

અમદાવાદ, સુરત  અને મુંબઈમાં સ્થપાયેલી ગુજરાતી સાહિત્યના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટેની વર્નાક્યુલર સોસાયટીના પ્રણેતા,

અને આવું તો બીજું ઘણું બધું, જે લિસ્ટમાં ઉમેરાય એમ છે.

 બીજી એક ઐતિહાસિક વાત : 

૧૮૬૧માં ઓગસ્ટની ૬ તારીખે, બ્રિટિશ પાર્લામેન્ટે ‘ઇન્ડિયન હાઇકોર્ટ એક્ટ’ પસાર કરી દીધો હતો. એ હેઠળ કલકત્તા, મદ્રાસ અને બોમ્બે ખાતે ત્રણ હાઇકોર્ટની સ્થાપના કરવાનું હુકમનામું બહાર પણ પાડી દેવામાં આવ્યું. જેમાં ૬ ન્યાયાધીશોની નિમણુક કરવામાં આવી. અને એમાંના એક હતા, એલેક્ઝાન્ડર ફાર્બસ! પહેલવહેલા ૬ ન્યાયાધીશોમાંના એક! આમ માત્ર ૪૦ વર્ષની ઉંમરે તેઓ અનેક ઐતિહાસિક સફળતાઓને વરી ચુક્યા હતા. 

કેવી હતી બંનેની અભૂતપૂર્વ મૈત્રી : 

ઈ.સ. ૧૮૬૫ ના માર્ચની ૨૫ તારીખે મુંબઈના ટાઉનહોલમાં એક સભા બોલાવવામાં આવી,  જેમાં અમદાવાદ જેવી જ એક ગુજરાતી સભા સ્થાપવાની શેઠ પ્રેમાભાઈ હિમાભાઈએ ભલામણ કરી અને એ સ્થપાઈ પણ ખરી. જે ‘ફાર્બસ ગુજરાતી સભા’ તરીકે આજે પણ કાર્યરત છે.

પણ સંસ્થા હજી તો માંડ શરુ થઇ ત્યાં જ તેને માથે બે અણધારી આફતોના ગ્રહણ લાગી ગયા. એક તો એ જ વર્ષે આ ઉચ્ચ કોટિના વ્યક્તિ અને સ્થાપક પ્રમુખ ફાર્બ્સની આ દુનિયામાંથી અચાનક નાની વયે વિદાય અને બીજું અમેરિકન અંતરવિગ્રહનો અંત થવાથી બોમ્બેના રૂ બજાર અને શેરબજારમાં જબરજસ્ત મંદી! જેના લીધે ઘણી ખાનગી બેંકો ફડચામાં ગઈ. બોમ્બેના જે દાતાઓએ ગુજરાતી સભાને રૂપિયા ૩૭૫૦૦ આપવાના વચન આપ્યા હતા એમાંથી માત્ર ગોકુલદાસ તેજપાલ તરફથી ૫૦૦ રૂપિયાના દાનનું વચન માત્ર પળાયું! એથી આર્થિક ભીંસનો સામનો કરવો પડ્યો. (અત્યારે આ સભાના પ્રમુખ છેલ્લે સુધી મારી જાણ મુજબ શ્રી નવીનભાઈ સી. દવે અને મંત્રી શ્રી દિપક દોશી છે.) 

શેરબજારની આ મંદીના ભોગ બન્યા ફાર્બસના સહાયક અને હવે તો ખાસ મિત્ર એવા દલપતરામ. તેઓ અમદાવાદ વર્નાક્યુલર સોસાયટીની સંભાળ લેતા. તેઓ જયારે બોમ્બે ફાર્બસને મળવા આવ્યા ત્યારે ફાર્બસે આ અંગે એમને ચેતવ્યા પણ હતા. પણ ખુદ એમની સલાહ અવગણીને રાતોરાત પૈસા કમાવાના આ લોભમાં દલપતરામે સોસાયટીની નોકરી છોડી દીધી અને શેરબજારમાં ઝંપલાવ્યું. શરૂમાં ૧૧૦ રૂપિયા કમાયા અને તેમાંથી અમદાવામાં બંગલો બાંધવાનું શરૂ કર્યું. પણ પછી થોડા જ સમયમાં આ મંદી શેરબજારને ઘેરી વળી અને દલપતરામે પોતાની બધી જ મૂડી ગુમાવી દીધી. બેન્કનો હપ્તો ન ચૂકવી શક્યા એથી સેન્ટ્રલ બેંકે તેમના બંગલા પર ટાંચ મારી. આવકનું હવે બીજું કોઈ સાધન તો હતું નહિ. એથી દલપતરામે આશાનું છેલ્લું કિરણ એવા મિત્ર ફાર્બસ પાસે મદદની આજીજી કરી. ૪૪ વર્ષે ફાર્બસને અચાનક માંદગી આવી જ પડેલી હતી અને પથારીવશ હતા. છતાં તેઓ દલપતરામને મળ્યા. દલપતરામે ખબર-અંતર પૂછ્યા બાદ હકીકત જણાવી! અને કહયું કે પોતાને ઓછામાં ઓછા ૩૦૦૦ રૂપિયાની જરૂર છે પોતાનો બંગલો છોડવા માટે. ફાર્બસે માંદગીમાં હોવા છતાં એક હજાર રૂપિયા તાત્કાલિક હાથમાં આપી દીધા! દલપતરામે આભાર પ્રગટ કરી કહ્યું, “આભાર! પણ બાકીના ૨૦૦૦ રૂપિયા ઉભા કરવાની ત્રેવડ મારામાં નથી..”

ત્યારે ફાર્બસે કહ્યું, “કાલે પાછા આવજો.” પછી ફાર્બસે કેટલાક સખીદિલ દાતાઓનો સંપર્ક કર્યો અને પ્રેમચંદ રાયચંદે ૬૦૦ રૂપિયા, મંગલદાસ નાથુભાઈએ ૪૦૦ રૂપિયા, વિનાયક જગન્નાથે ૧૫૦ રૂપિયા, કરસનદાસ માધવદાસે ૧૦૦ રૂપિયા, કરશનજી નારાણજી ઠક્કરે અને રતનજી શામજીએ ૧૫૦, વિનાયક વાસુદેવે ૧૦૦ રૂપિયા મોકલી આપ્યા. આમ ૧૫૦૦ રૂપિયા બીજા એકઠા થઇ ગયા. બાકીના ૫૦૦ રૂપિયા ક્યાંથી લાવવા?

હવે ફાર્બસે ઠક્કર હંસરાજ કરમશી સાથે વાત કરી અને દલપતરામ એમને એકસો કવિતા લખીને અર્પણ કરશે એમ કહ્યું, પણ મહેનતાણાનાં ૫૦૦ રૂપિયા અત્યારે જ આગોતરા આપી દેવા પડશે. (પછીથી ‘હંસકાવ્યશતક’ નામનો સંગ્રહ દલપતરામે હંસરાજ શેઠને અર્પણ પણ કર્યો હતો.)

બીજે દિવસે દલપતરામ જયારે એમને મળવા આવ્યા ત્યારે ફાર્બસે એમના હાથમાં ૨૦૦૦ રૂપિયા મુક્યા અને આટલું ઓછું હોય એમ, સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર ખારશેદજી સાથે પણ વાત કરી અને ૩૦૦૦ રૂપિયા સામે બંગલો પાછો આપવાની ભલામણ કરી. 

હજુ આગળ આ પરમ મિત્રની મૈત્રી જુઓ, કે દલપતરામે વર્નાક્યુલર સોસાયટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું એટલે તેમના સ્થાને વ્રજલાલ શાસ્ત્રીની નિમણુંક થઈ ગઈ હતી. તો આજીવિકા પાછી અપાવવા ફાર્બસે સેક્રેટરીને કહ્યું, કે દલપતરામને નોકરીએ પાછા લઇ લો, પણ વ્રજલાલની નોકરીને જરાય આંચ પણ ના આવી જોઈએ. બંનેનો પગાર સોસાયટીને ના પોષાય તો દલપતરામનો પગાર દર મહિને હું આપીશ. ૧૮૬૫ ના ઓગસ્ટ મહિનામાં આ રીતે દલપતરામ ફાર્બસને બોમ્બે મળીને અમદાવાદ પાછા આવ્યા ત્યારે એમને એ ખબર નહોતી આ એમની ફાર્બસે સાથેની છેલ્લી મુલાકાત રહેવાની છે! ૩૧ મી ઓગસ્ટ, ૧૮૬૫ ના રોજ ફાર્બ્સનું અવસાન થયું.

આ સાંભળી દલપતરામે ખુબ વિલાપ કર્યો. પોતાના પરમ મિત્રનું, જેમ કોઈ સ્વગોત્રી સગો ગુજરી જાય એમ સ્નાન કરીને ૧૨ મહિના શોક પાળ્યો!

વિધિની વિચિત્રતા જુઓ, ફાર્બસના અવસાન પછી એમના પત્ની પાસે સ્વદેશ જવાના ખર્ચના પૈસા પણ નહોતા. તેમને મદદરૂપ થવાના આશયથી દલપતરામની આગેવાની હેઠળ ગુજરાતી સભાએ ૨૫૦૦ રૂપિયામાં ફાર્બસના પત્ની પાસેથી “રાસમાળા”ના ગુજરાતી અનુવાદના હક્ક ખરીદી લીધા  અને મદદ કરી. 

છે ને, ઐતિહાસિક વ્યકતિત્વ, મિત્ર, કર્તવ્યનિષ્ઠ અધિકારી અને ગુજરાતને તથા ગુજરાતી લોકોને પોતીકા ગણી ગુજરાતી સાહિત્ય વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેલ આ પરદેશી અંગ્રેજ યુવાનનો રોચક ઇતિહાસ! 

એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ, તમને આ ઇતિહાસ એક મુઠ્ઠી ઉંચેરા વ્યક્તિ તરીકે ક્યારેય નહી ભૂલી શકે..

અને છેલ્લે: 

એલેક્ઝાન્ડર ફાર્બસે પોતાના જીવનકાળ દરમ્યાન હસ્તપ્રતો અને પુસ્તકોનો જે બહુમૂલ્ય સંગ્રહ એકઠો કર્યો હતો તે તેમના અવસાન પછી ફાર્બસ ગુજરાતી સભાએ ખરીદી લીધો હતો. આજે સંસ્થા પાસે જે સમૃદ્ધ પુસ્તકાલય છે તેનાં મૂળમાં આ સંગ્રહ રહેલાં છે. ત્યાર બાદ જેમ જેમ આર્થિક અનુકૂળતા થતી ગઈ તેમ તેમ વખતોવખત તેમાં ઉમેરો થતો ગયો. કવિ નર્મદે કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૫૦ માં ‘જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ સ્થાપી હતી જે વખત જતાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ બની હતી. બીજી પ્રવૃત્તિઓની સાથે ૧૮૬૦ થી તેણે પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરી હતી. ૧૮૯૫ ના અરસામાં આ સંસ્થા કામ કરતી બંધ થઇ હતી. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટનો હુકમ મેળવ્યા પછી આ બંધ પડેલી સંસ્થાની બધી અસ્ક્યામતો છેક ૧૯૩૫ માં ફાર્બસ ગુજરાતી સભાને તબદિલ કરવામાં આવી. ૧૯૩૪ ના જુલાઈની ૨૯મીએ યોજાયેલા એક સમારંભમાં દાતા સંસ્થાનું ઋણ સ્વીકાર કરવાના આશયથી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયનું નામ ‘શ્રી બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ રાખવામાં આવ્યું. 

૨૦૧૯નું વર્ષ એ ૨૧ જાન્યુઆરી, ૧૮૨૦ એ જન્મેલા કવિશ્વર દલપતરામનું દ્વિશતાબ્દીનું વર્ષ છે. દર વર્ષે ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિને ‘કવિશ્વર દલપતરામ એવોર્ડ’ અર્પણ કરવામાં આવે છે. ન્હાનાલાલ સાહિત્યસભા સંસ્થા તરફથી 

૨૦૧૯ની સાલનો ૧૦મો એવોર્ડ કવિ જવાહર બક્ષીને અને ૨૦૨૦ની સાલનો ૧૧મો એવોર્ડ કવિ એસ એસ રાહીને આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જયારે ૨૦૧૮ની સાલનો એવોર્ડ શ્રી પ્રફુલ્લ પંડ્યાને અર્પણ કરાયો હતો.

(નોંધ: ખાસ શ્રી દિપક મહેતાનો આભાર “અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર” પુસ્તક માટે)

(સંપૂર્ણ)

Avatar

Dr Kartik Shah ડૉ. કાર્તિક શાહ

Made with by cridos.tech